Tuesday, September 29, 2009

વાર નથી લાગતી

 

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી

કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી

જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર

જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી

તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર

કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી

બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર

કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી

માણી લે હર એક પળ તું આજે

આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી

- Loveable Poet                 Keep Comment

Monday, September 28, 2009

તમારી દૂરતા પણ છે નિકટતાના ઇશારા સમ

 

તમારી દૂરતા પણ છે નિકટતાના ઇશારા સમ

તમારા તો અબોલા પણ અમારે આવકારા સમ

તમે રુઠ્યા ભલેને હો, સભર છઇએ તમારાથી

તમે સુક્કી નદીના પટ, અમે લીલા કિનારા સમ

નદી થઇને તમે વહેજો, નિકળજો સાવ પાસેથી

તમારામાં તૂટ્યાં કરશું, અમે કાચા કિનારા સમ

અમે તો ઊજળા છઇએ તમારી છત્રછાયામાં

તમે આકાશી અંધારું, અમે ઝીણા ઝગારા સમ

તમારાથી અમે છઇએ, તમારાથી અધિક રહીએ

તમે માનો ન માનો પણ એ સાચું છે તમારા સમ

- Loveable Poet                 Keep Comment

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189