skip to main |
skip to sidebar
skip to footer
Posted by
BAROT SANKET H.
એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મે મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછયું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’ મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: ‘દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ સાચુ શ્રાદ્ધ ગણાય!’
એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીશ છે. પણ એમને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે!’
મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું, પણ યાદ રહે ગાય- કાગડાને ખવડાવેલુ કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.
એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાંક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની નથી લેતા. સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે. એવાં દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી, પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે… તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.
હમણા જાણીતા શાયર દેવદાસ- ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોષીનું એક વાક્ય વાંચવા મળ્યું- ‘જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…!” સંતો કહે છે, નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ!
વારંવાર એક વાત સમજાય છે. ઘરડા માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે, પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીંદગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાના હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે! સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતા શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જોકે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)
માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે. કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા… પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોના વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુપડીમાં કોઈ’દી સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…? આલીશાન બંગલામાં પોષાય આલ્સેશીયન… એક માવડી નથી પોસાતી…!
અમારા બચુભાઈ કહે છે: ‘આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણના દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી. પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્તી કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હથ જોડીને પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે. સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જીવનયાત્રાનું અંતીમ સ્ટેશન છે. જીવનભરના તમામ કર્મોનો હીસાબ કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ. લોકકવી ભીખુદાન ગઢવી લખે છે- ‘અંતવેળા જેના માબાપ ના ઠર્યા… સાત જનમ તેના બુરા ઠર્યા…!
ધુંપછાંવ
દીકરાઓ દુનીયાની દોડમાં હાંફી રહ્યાં છે. તેમની પાસે સમય નથી. ઘરડા માબાપ એ વાત સમજે છે. છતાં ઘડપણમાં તેમને દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરુરીયાત છે, ઘરડા થયા વીના એ સમજી શકાતી નથી. વીદેશમાં એક મા દીકરાને પુછે છે: ‘બેટા, તું એક કલાક નોકરી પર મોડો જાય તો તારો કેટલો પગાર કપાય?’ દીકરો કહે છે: ‘એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડૉલર કપાઈ જાય!’ મા કહે છે: ‘બેટા, મેં થોડા દીવસની મહેનત કરીને પચાસ ડૉલર ભેગા કર્યા છે. તું પચાસ ડૉલર લઈ લે અને મને તારો એક કલાક આપ…