સાગર પૂછે રેતી ને,તને ભીંજવુ કે કેમ?
રેતી મન માં રોઈ પડી,આમ કઈ પુછી પુછી ને થતો હશે પ્રેમ?
તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.
તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.
જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.
પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.
જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.
તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે 'બેફામ',
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે
- Loveable Poet Give Comment