લગ્નના રિસેપ્શનમાં ગયા હો તો ચાંલ્લો કર્યા પછી એની પાકી પહોંચ લઈ લેવાની ટેવ
રાખો. પેલું કપલ બે વરસમાં ઝગડીને છૂટું પડી જાય તો રસીદ બતાડી
ચાંલ્લોપાછો માગતાં ફાવે !
જાગો ગ્રાહક જાગો…..
મેચમાં ‘ઈન્ડિયા જીતે છે’ એવી ૫૦૦ રૂપિયાની શરત મારનારના ૫૦૦ રૂપિયા એ જ
વખતે ટેબલ પર મુકાવી દો . કારણ કે ઇન્ડિયા હારી જાય પછી માગવા જશો તો ‘‘સાલા
દેશદ્રોહી…’’ એમ કહીને બધા તમને જ મારવા લેશે !
જાગો ગ્રાહક જાગો…..
છાપાની કોલમમાં કોઈ ફિલ્મ વિશે એમ લખ્યું હોય કે ‘આની એકે એક ફ્રેમમાંથી સૌંદર્યની
કવિતા ટપકે છે…’
આવું વાંચીને એ ફિલ્મ જોવા જતાં પહેલાં એ વિવેચકનું પાકું નામ-સરનામું-ફોન નંબર
લઈ લેવા !
જેથી ફિલ્મ જોયા પછી એને કહી શકાય કે મને તો એકે એક ફ્રેમમાં શબાના, નંદિતા અને
સીમા વિશ્વાસ જેવી ખખડી ગયેલી આઈટમો જ દેખાતી હતી ! ભાઈ,
આમાં તમને કોના સૌંદર્યમાં કવિતા દેખાણી ?’’
જાગો ગ્રાહક જાગો….
‘પાસ થવાની ૧૦૦ ટકા ગેરંટી’ આપનાર ટ્યૂશન કલાસિસમાં છોકરાંઓની ફી ભરતાં
પહેલાં કલાસીસના માલિકનું પણ ઘરનું પાકું સરનામું લઈ રાખવું. કારણ કે તમારો ડોબો
નાપાસ થયા પછી કલાસીસ પર લડવા જશે તો પટાવાળો કહેશે ઃ સાહેબ તો કુલુ-
મનાલી ગયા છે !
જાગો ગ્રાહક જાગો…..