તાજી ઘટનાની વાત છે. એક અજાણ્યા માણસના શબ્દોએ મારી આંખો ખોલી નાખી. તેનાં વાકયો સાંભળીને મને અહેસાસ થયો કે આખરે શા માટે શબ્દોને નકારાત્મક કે સકારાત્મક ક્રિયાઓનું પ્રારભિંક લક્ષણ કહેવામાં આવે છે.
ઘટના કંઈક એવી હતી કે હું મારી દિનચર્યા અનુસાર મારા ડોગી સાથે ટહેલવા નીકળ્યો. અચાનક મારા પાડોશી તેમના આલ્સેશિયન કૂતરા સાથે મારી સામે આવ્યા અને બોલ્યા, ‘તમને ખબર છે કે દરરોજ તમારી બાલ્કનીમાં ઊભેલા આ ડોગીને જોઈને મને એવો અહેસાસ થાય છે કે જાણે તે મને ચા કે કોફી માટે આમંત્રણ આપી રહ્યું છે. કદાચ તમને આ સાંભળી આશ્ચર્ય થયું હશે.
જોકે, આપણે પણ કયારેક સાથે ચા-કોફી પીવી જોઈએ! હું તમારી બિલ્ડિંગની બાજુમાં જ રહું છું.’ તેમનાં મધુર હાસ્ય અને વાતો સાથે થોડી વારમાં જ તે ત્યાંથી નીકળી ગયા, પરંતુ તેમણે કહેલા શબ્દો મારા દિલ-ઓ-દિમાગ પર અંકિત થઈ ગયા.
આયરિશ લેખક જયોર્જ બર્નાર્ડ શો શબ્દોને પોસ્ટેજ સ્ટેમ્પ કહેતા હતા. તેને લીધે જ પોતાની વાત પ્રત્યે બહુ સાવધાન રહેવું જોઈએ. જો વરુણ ગાંધીએ બોલેલા શબ્દોએ વિવાદ પેદા કરી દીધો તો લાલુપ્રસાદ યાદવની તેમના અંગેની ટિપ્પણી ‘રોડ રોલરે’ ઘટનાને ફરીથી ‘ગરમ’ કરી દીધી.
ભૂતપૂર્વ સીબીઆઈ નિદેશક જોગિંદરસિંહ એક નવું પુસ્તક લખી રહ્યા છે, જેનો મર્મ મને ખબર છે. તે પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે તમે હંમેશાં સકારાત્મક વિચારો ન કરી શકો, તેવી જ રીતે નકારાત્મક ખયાલોને આવતા રોકી પણ ન શકો. તેમ છતાં જો તમે સજાગ રીતે કોશિશ કરો તો નકારાત્મક વિચારોને દૂર રાખી શકો છો. તેના માટે તમારે શબ્દો પર બહુ ઘ્યાન આપવું પડશે.
યાદ રાખો કે શબ્દ બે લોકોને નજીક લાવી શકે છે અને તેમને અલગ પણ કરી શકે છે. આ સંદર્ભમાં બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલના શબ્દો જાણવા જોઈએ, ‘નકારાત્મક શબ્દોને બોલ્યા વિના પચાવી જવાથી કોઈનું પણ પેટ નથી બગડયું!’
ફંડા એ છે કે શબ્દોમાં બહુ તાકાત હોય છે. આથી કોઈ પણ વ્યકિત સાથે વાત કરતી વખતે હંમેશાં યોગ્ય અને સકારાત્મક શબ્દોની પસંદગી કરવી જોઈએ.
- N.Raghuraman