Tuesday, May 12, 2009

તમારા મતને ખાતર

એક તમારા મતને ખાતર ખોટો ના ચુંટાઇ એ જો જો.
એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો.

એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે.
ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય એ જો જો.

એક તમારા મુંગા મતને કારણ મહાભારત સર્જાયુ,
મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય એ જો જો.

એક તમારા મતની કિંમત નથી જાણતા, તો જાણી લ્યો,
સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય એ જો જો.

એક તમારા મતથી ખાટુ મોળુ શું થાશે જાણો છો?
એક ટીંપાથી આખ્ખે આખ્ખે આખ્ખુ દૂધ ન ફાટી જાય એ જો જો.

એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું?
રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો.

એક તમારા મતથી ધાર્યુ નિશાન વીંધી નાખો છો પણ -
એ જ તમારી ઓળખનો અંગુઠો ના છિનવાય એ જો જો.

એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો

- Loveable Poet

0 comments:

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189