Wednesday, April 22, 2009

હતાશા અને ગુસ્સાને કાબૂમાં રાખતાં શીખો

હમારે રબ્તે બાહમ કી કહાં તક બાત જા પહુંચી , હકીકત સે ચલી થી, દાસ્હથ્થ્Ž તક જા પહુંચી, ઉઠી દિલ સે યકીને બાહમી પર જિસકી બુનિયાદેં, તાજજુબ હૈ વહી આખિર ગુમાં તક જા પહુંચી.
- જગન્નાથ આઝાદ (રબ્તે બાહમ- પરસ્પરની લાગણી, યકીને બાહમી - એકબીજા પરનો ભરોસો, ગુમાં- ભ્રમ)

હતાશા, નિરાશા, નારાજગી, ગુસ્સો અને ઉશ્કેરાટ માણસ કેવી રીતે વ્યકત કરે છે અને કેટલો કાબૂમાં રાખી શકે છે તેના પરથી જ માણસની હોંશિયારી, આવડત, સમજદારી, ડહાપણ અને મેરયોરિટીનું માપ નીકળે છે. માણસના વર્તન પરથી જ તેનો એટિટયૂડ છત્તો થાય છે.

ન ગમતું કે ન કલ્પેલું કંઇક બને ત્યારે માણસ બેબાકળો થઇ જાય છે. નારાજગીનો રોષ કયારેક જવાળામુખી બનીને ફાટે છે. તડ-ફડ અને એક ઘા ને બે કટકા કરવાની તૈયારી માણસ કરી લ્યે છે. જે થવું હોય તે થાય અને હવે તો ફેંસલો કરી જ નાખવો છે, એવી દાનત માણસ પાસે મોટાભાગે ન કરવાનું કરાવે છે. ભૂલ થઇ ગઇ એવું સમજાય ત્યારે બહું મોડું થઇ ગયું હોય છે. જિંદગીભર પસ્તાવા કરતાં ઇમોશન્સને કંટ્રોલ કરવાની આવડત વધુ ફાયદાકારક છે.

હમણાંનો જ એક દાખલો છે. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગૃહપ્રધાન ચિદમ્બરમ ઉપર જર્નૈલસિંઘ નામના પત્રકારે બૂટ ફેંકયું. આઇ પ્રોટેસ્ટ બોલીને તેણે પોતાનું બૂટ ફંગોળ્યું. પ્રોટેસ્ટ કે વિરોધ કરવાની આ રીત તેના વિરોધ કરતાં પણ વધુ ધ્ૃણાસ્પદ હતી. સાચી વાત એ છે કે જે ખોટું છે એ ખોટું જ છે. જેમ સનાતન સત્ય હોય છે તેમ સનાતન અસત્ય પણ હોય છે.

દરેક માણસ જિંદગીમાં કયારેક આવી ભૂલ કરી બેસે છે. ઓફિસ અને ઘર વચ્ચે ઝૂલતો માણસ કયારેક ઓફિસનો ગુસ્સો ઘરમાં અને ઘરની નારાજગી ઓફિસમાં ઠાલવે છે. જમતા હોઇએ અને કંઇક બને ત્યારે માણસ થાળીનો છુટ્ટો ઘા કરે છે. ઓફિસમાં ઘણા લોકો ગુસ્સામાં પેપરવેઇટનો ઘા કરે છે. હાથમાં આવ્યું તેનો ઘા કરવાનું અથવા તો ટેબલ પર હાથ પછાડવાનું વલણ કેટલું વાજબી છે એ પ્રશ્ન વિચારવા જેવો છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓ સામાન્ય છે.

એવું કોઇ કપલ નહીં હોય જેની વચ્ચે કયારેક નાનો-મોટો ઝઘડો થયો ન હોય. સમાજશાસ્ત્રીઓ તો વળી આવા ઝઘડાને મીઠા ઝઘડા કરાર દઇને સુખી દાંમ્પત્ય જીવનનો આધાર કહે છે. પણ આવા મીઠા ઝઘડા કયારે ખાટા અને તીખા થઇ જાય છે એ નક્કી હોતું નથી. દંપતીઓ વચ્ચેના ઝઘડામાં મોટા ભાગે શું થાય છે? પતિ કે પત્ની મોઢું ચઢાવીને ફરે છે. યાદ રાખવા જેવી વાત એ છે કે અબોલા એ ઉકેલ નથી. દંપતીઓ વચ્ચે સારી વાત એ હોય છે કે, ઘરમાં એવી ઘટનાઓ બનતી રહે છે કે વાત કરવી જ પડે. આજે જમવાનું શું બનાવું? અથવા તો, તું મારી સાથે આવવાની છે? નાનકડા સંવાદથી સ્નેહનો સેતુ ફરી સંધાઇ જાય છે અને ઝઘડો ભૂલાઇ જાય છે.

ઝઘડો થવો સ્વાભાવિક છે. પણ તમે ઝઘડા વખતે અને ઝઘડા પછી કેવી રીતે રિએકટ કરો છો એ મહત્ત્વનું છે. ક્રિટિકલ સમયમાં તમે કેટલાં કેરિંગ અને કેરફુલ છો તેના પરથી જ તમારા સંબંધની કલેરિટી નક્કી થાય છે. એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં પતિ-પત્ની વચ્ચે એક વખત ઝઘડો થયો. પતિ વારંવાર ગુસ્સે થઇ જતો હતો. પતિને વાત સમજાય પછી તે સોરી કહેતો.

એક વખત પતિએ પત્નીને કહ્યું કે હું તને બહુ પ્રેમ કરું છું એટલે જ મને તારા પર વધુ ગુસ્સો આવી જાય છે. પત્નીએ કહ્યું કે, કેમ પ્રેમમાં ગુસ્સા સિવાય કંઇ આવતું નથી? માણસ મોટા ભાગે પોતાની સૌથી વધુ નજીકની વ્યકિત ઉપર જ સૌથી વધુ ખીજ ઉતારતો હોય છે. આ રીત વાજબી નથી. એક વડીલે નવદંપતીને આશીર્વાદ આપતી વખતે કહ્યું કે, એક આગ થાય ત્યારે બીજો પાણી બની જજો. અલબત્ત, તેમાં પણ જો આગ કાયમ આગ જ થતી રહે અને પાણી કાયમ પાણી જ રહે તો આગ ઠારવામાં જ જિંદગી નીકળી જાય, જીવનની ટાઢકનો અનુભવ કયારેય માણવા ન મળે.

ઘર જેવું જ બીજું સ્થળ છે, ઓફિસ. માણસ જિંદગીનો મોટો ભાગ ઓફિસ કે કામ-ધંધાના સ્થળે વિતાવે છે. દરેક ઓફિસમાં બે-ચાર લોકો એવા હોય છે જેની છાપ સારા અને ડાહ્યા માણસની હોય છે. તમે કયારેય વિચારો છો કે તેની છાપ એવી કેમ છે? કદાચ એટલા માટે કે, સંબંધોને સમજવાની અને જાળવવાની કુનેહ તેનામાં થોડીક વધુ હોય છે. ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, તમે તમારો ઓપિનિયન કહો એ પણ બરોબર છે, સાથોસાથ સામેની વ્યકિતનો ઓપિનિયન સાંભળવાની અને તેની સાર્થકતા તપાસવાની પણ તૈયારી હોવી જોઇએ.

બનવા જોગ છે કે, સામેની વ્યકિત ખોટી પણ હોય. વિરોધ વ્યકત કરવાના હજાર રસ્તા છે. મોટા ભાગે માણસ ખોટો રસ્તો પસંદ કરી લેતો હોય છે. જરૂર લાગે ત્યારે વિરોધ વ્યકત કરવો જ જોઇએ પણ દાનત લડવાની નહીં પણ સાચી વાતને ઉજાગર કરવાની હોવી જોઇએ. માણસથી થતાં થઇ જાય છે પણ સોરી કહી શકતો નથી. અફસોસ થાય તેવું વર્તન ન કરવું એ જ જિંદગી જીવવાની આવડત છે. તમારું આધિપત્ય હોય ત્યાં લોકો કે ઘરના સભ્યો કદાચ તમારા વર્તનને જુલમ સમજીને સહન કરી લેશે પણ તેનાથી તમે સાચા ઠરી જતા નથી. લોકોમાં આપણી છાપ આપણે જ આપણા વર્તનથી ઊભી કરતાં હોઇએ છીએ. તમે વિચારજો કે તમારી છાપ કેવી છે?‘

છેલ્લો સીન

ક્રોધને એક જાતની તાકાત માનનારાઓને એટલું જ કહેવું છે કે, ક્રોધ એ તાકાત નથી પણ તાકાતનો દૂરુપયોગ છે


- Krushnkant Unadkat

- Loveable Poet

0 comments:

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189